શ્રદ્ધા એક એવું પુષ્પ છે જે મનુષ્યના જીવનમાં ભાગ્યે જ ખીલે છે, પરંતુ જ્યારે ખીલે છે ત્યારે અસ્તિત્વના અનંત દ્વાર શ્રદ્ધાવાન મનુષ્ય માટે ખૂલી જાય છે. શબરીને તેના ગુરુ મતંગ ઋષિએ કહ્યું હતું હતું કે ભગવાન રામ તારી ઝુંપડીએ આવશે. પછી શબરીએ ક્યારેય પૂછ્યું ન હતું કે ભગવાન રામ મારી ઝુંપડીએ ક્યારે આવશે? તેનું હૃદય ગુરુવચન પ્રત્યે અખૂટ શ્રદ્ધાથી ભરેલું હતું અને એ શ્રદ્ધા જ ભગવાન રામને તેની ઝૂંપડીએ દોરી લાવી. તમારું અંતર જો શ્રદ્ધાથી ભરેલું હશે તો એક નાનકડો દીપ પણ તમને સૂર્યની શક્તિના દર્શન કરાવશે. આવો આ બોધવચનને ચરિતાર્થ કરતા, પૂ.જલારામ બાપા પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર તેમના ભક્તોના જીવનમાં ઘટતા, પૂ. જલારામબાપાની કૃપા-અનુભૂતિ (પરચા)ના અસંખ્ય પાવક અને પ્રેરણાદાયી પ્રસંગો વાંચીએ... આ પ્રસંગો અન્ય ભાવિકોના જીવનમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે તે હેતુથી અત્રે પ્રકાશિત કરવામાં આવે છે. જો તમારા જીવનમાં આવી કોઈ પાવનકારી ઘટના ઘટી હોય તો તમે તે વિગત અમને મોકલી શકો છો. તેનાથી અસંખ્ય લોકોના જીવનમાં શ્રદ્ધા દીપ પ્રગટાવવામાં તમે નિમિત બનશો. જલારામ જ્યોતના ગ્રાહક/પ્રતિનિધિ નંબર સાથે આવેલા પરયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. પરચા મોકલનારે પોતાનું પુરૂં નામ, સરનામું લખી મોકલવું અત્યંત જરૂરી છે. તે સિવાયના પરચા છાપવામાં આવતા નથી. પરચા સાથે પોતાના સંપર્ક સૂત્રો – મોબાઈલ નંબર કે ઈ-મેઈલ સરનામું મોકલનારને તેમનો પરચો અત્રે મુકાયા અંગેની જાણ કરવાની વ્યવસ્થા ગોઠવેલ છે – સંપાદક